
Education
પી.એમ. શ્રી ગુંથલી પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો લાગણીસભર વિદાય સમારંભ યોજાયો
પી.એમ. શ્રી ગુંથલી પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો લાગણીસભર વિદાય સમારંભ યોજાયો
બાલાસિનોર તાલુકાની પી.એમ. શ્રી ગુંથલી પ્રાથમિક શાળામાં આજરોજ ધોરણ 8માં અભ્યાસ પૂર્ણ કરતા વિદ્યાર્થીઓ માટે ભવ્ય અને લાગણીસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી એન. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ આયોજનબદ્ધ રીતે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર.સી. શ્રી નયનભાઈ તથા કેળવણી નિરીક્ષક શ્રી સમીરભાઈ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, સંસ્કાર, મહેનત અને સકારાત્મક વિચારધારા અપનાવી આગળ વધવાની સલાહ આપી હતી.શાળાના શિક્ષકશ્રીઓએ ધોરણ 8ના વિદ્યાર્થીઓ સાથેના શૈક્ષણિક અને સહપાઠ્ય પ્રવૃત્તિઓના સંસ્મરણો વહેંચ્યા હતા. ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓએ ગીત, ભાષણ અને શુભેચ્છા સંદેશો દ્વારા વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાના શાળા જીવનના અનુભવો રજૂ કરી શિક્ષકો અને શાળાપ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સ્મૃતિરૂપે ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી, જે તેમની શાળાપ્રતિની લાગણી અને જોડાણનું સુંદર પ્રતિબિંબ હતું.આચાર્યશ્રી એન. ડી. પરમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું કેન્દ્ર છે અને અહીંથી પ્રાપ્ત થયેલા સંસ્કાર જીવનભર માર્ગદર્શન આપશે. શિક્ષકશ્રીઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમ આનંદમય, શિસ્તબદ્ધ અને લાગણીસભર વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
MAHISAGAR






















